ગૌતમ ગંભીરના ઈશારે આ બંને દિગ્ગજ ખેલાડીઓની છુટ્ટી ! ટીમ ઈન્ડિયામાં મળવાની હતી મોટી જવાબદારી

ગૌતમ ગંભીરનો મુખ્ય કોચ તરીકે કાર્યકાળ શ્રીલંકા પ્રવાસથી શરૂ થયો હતો. હવે ટીમને નવો બોલિંગ કોચ પણ મળ્યો છે. દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર મોર્ને મોર્કેલ ટીમ ઈન્ડિયાના નવા બોલિંગ કોચ બન્યા છે. બીસીસીઆઈના સચિવ જય શાહે આ વાતની પુષ્ટિ કરી છે. ભારતના બે મહાન ખેલાડીઓને મ્હાત આપી મોર્કેલ ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ બન્યા છે. પારસ મ્હામ્બ્રેની જગ્યાએ મોર્ને મોર્કેલ આ જવાબદારી સંભાળશે.

આ બે દિગ્ગજોને હરાવીને મોર્કેલ બોલિંગ કોચ બન્યો

મોર્કેલ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ સાથે જોડાઈ શકે છે. તેમનો કાર્યકાળ 2027ના વર્લ્ડ કપ સુધી રહેશે. તે આવતા મહિનાની શરૂઆતમાં બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિપોર્ટ કરશે અને દુલીપ ટ્રોફીની મેચો જોવાની અપેક્ષા છે. ત્યાં પહોંચ્યા બાદ તે VVS લક્ષ્મણ અને NCA બોલિંગ ચીફ ટ્રોય કુલીને પણ મળશે. અહેવાલો અનુસાર, ભૂતપૂર્વ ઝડપી બોલર લક્ષ્મીપતિ બાલાજી અને વિનય કુમાર બોલિંગ કોચની રેસમાં મોર્કલ કરતા આગળ હતા, પરંતુ ગૌતમ ગંભીરની ભલામણ બાદ તેમની પસંદગી કરવામાં આવી છે.

બાલાજી અને વિનયના નામ પર વિચાર કરવામાં આવ્યો નહીં

પીટીઆઈને બીસીસીઆઈના એક સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)નું કામ મુખ્ય કોચ માટેના ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવાનું છે. જ્યારે સપોર્ટ સ્ટાફની પસંદગીની વાત આવી ત્યારે ગંભીરની પસંદગીને પ્રાથમિકતા આપવી જરૂરી હતી. તેણે મોર્ને સાથે કામ કર્યું છે અને તેને બોલિંગ કોચ તરીકે ઉચ્ચ માન આપે છે. આવી સ્થિતિમાં, જ્યારે એ સ્પષ્ટ થઈ ગયું કે મોર્કેલ મ્હામ્બ્રે દ્વારા કરવામાં આવેલા સારા કામને આગળ વધારશે, ત્યારે બાલાજી અને વિનયના નામ પર વિચાર કરવામાં આવ્યો ન હતો.

ગંભીર-મોર્કેલે સાથે કર્યું છે કામ

IPLમાં પણ ગંભીર અને મોર્કેલ સાથે કામ કરી ચુક્યા છે. આ બંને દિગ્ગજો IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે કામ કરતા હતા. તે જ સમયે, ગઈ સિઝનમાં ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયા પછી પણ, મોર્કેલ તે જ ટીમનો ભાગ હતો. 39 વર્ષીય મોર્ને મોર્કલે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ પછી, મોર્ને મોર્કેલ ગયા વર્ષે ભારતમાં આયોજિત ODI કપ દરમિયાન પાકિસ્તાન ટીમના કોચ હતા, પરંતુ ટીમના ખરાબ પ્રદર્શન બાદ, તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથેના કરારની સમાપ્તિના થોડા મહિના પહેલા જ પોતાનું પદ છોડી દીધું હતું.

તેણે પોતાની કારકિર્દીમાં દક્ષિણ આફ્રિકા માટે 86 ટેસ્ટ મેચ, 117 ODI અને 44 T20 મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન મોર્ને મોર્કેલે ટેસ્ટમાં 309, વનડેમાં 188 અને ટી20માં 47 વિકેટ ઝડપી હતી. તેણે આઈપીએલમાં પણ ખેલાડી તરીકે ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *