BCCI ભારત-બાંગ્લાદેશ સિરીઝમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ યોજવા નથી માંગતું, જય શાહે જણાવ્યું કારણ

ટીમ ઈન્ડિયાની નવી સિઝન સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા ઘરઆંગણે બાંગ્લાદેશ સામે આગામી સિઝનની પ્રથમ શ્રેણી રમવા જઈ રહી છે. આ દરમિયાન 2 ટેસ્ટ મેચ રમાશે. પ્રથમ મેચ 19મીથી અને બીજી મેચ 27મી સપ્ટેમ્બરથી રમાશે.

ભારત-બાંગ્લાદેશ સીરિઝ દરમિયાન પિંક બોલ એટલે કે ડે-નાઈટ ટેસ્ટ મેચ રાખવાની વાત થઈ હતી. જોકે, BCCI સેક્રેટરી જય શાહે આ માટે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. તેમણે તેની પાછળનું સૌથી મોટું કારણ નુકસાનને ગણાવ્યું છે.

પિંક બોલ ટેસ્ટ 2015માં શરૂ કરવામાં આવી હતી. તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ પિંક બોલ ટેસ્ટ 2019માં બાંગ્લાદેશ સામે રમી હતી. આ મેચ માત્ર 2 દિવસમાં સમાપ્ત થઈ ગઈ, જેમાં ભારતે બાંગ્લાદેશને ખરાબ રીતે હરાવ્યું હતું.

ભારતે અત્યાર સુધી માત્ર 4 ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી છે જેમાંથી એકમાં ભારતને હાર મળી હતી. આ ચારેય મેચ એકતરફી રહી છે અને વધુમાં વધુ 3 દિવસમાં સમાપ્ત થઈ છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને BCCIએ ભારતમાં પિંક બોલ ટેસ્ટ નહીં રમવાનો નિર્ણય લીધો છે.

મુંબઈમાં મીડિયા સાથે વાત કરતાં જય શાહે કહ્યું કે ચાહકો ટિકિટ ખરીદે છે અને સારી મેચ જોવા આવે છે, પરંતુ તે 2-3 દિવસમાં ખતમ થઈ જાય છે. જેના કારણે તેમને નુકશાન થાય છે. આ સિવાય બ્રોડકાસ્ટર્સને પણ નુકસાન વેઠવું પડે છે.

બાંગ્લાદેશમાં હિંસક દેખાવો બાદ વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવો પડ્યો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ઘણા અધિકારીઓએ પણ નાસી જવું પડ્યું કારણ કે તેઓ તેમના સમર્થક હતા. ત્યારથી પ્રમુખ સહિત તમામ મોટી જગ્યાઓ ખાલી છે.

જય શાહે કહ્યું છે કે બાંગ્લાદેશ શ્રેણી BCCI માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે, આ અંગે BCB સાથે હજુ સુધી કોઈ ચર્ચા થઈ નથી. તેમણે આગામી થોડા દિવસોમાં સંપર્ક ફરી મિટિંગ કરવાની પણ વાત કરી હતી. આ સિવાય બાંગ્લાદેશમાં યોજાનારા મહિલા T20 વર્લ્ડ કપને ભારતમાં શિફ્ટ કરવાની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ જય શાહે તેને ફગાવી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *