ઘણા લાંબા સમયથી રેસ્ટ બાદ જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાની આ મેચ થી કરશે જોરદાર વાપસી
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હાલ બ્રેક પર છે. તેણે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં રમી હતી. અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે જસપ્રીત બુમરાહને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં આરામ આપવામાં આવી શકે છે. પરંતુ હવે એક મોટું અપડેટ સામે આવ્યું છે.
બુમરાહ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીથી ક્રિકેટમાં વાપસી કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર, બુમરાહ બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચમાંથી એકમાં રમી શકે છે. વાસ્તવમાં, ન્યુઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચો વચ્ચે માત્ર ત્રણ દિવસનો વિરામ છે, તેથી બુમરાહ ન્યુઝીલેન્ડ સામે માત્ર બે ટેસ્ટ મેચ રમે તેવી શક્યતા છે. એટલે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા તે ટીમ ઈન્ડિયા માટે ત્રણ ટેસ્ટ મેચ રમતો જોવા મળી શકે છે.
ખેલાડીઓનું રોટેશન થશે
મીડિયા રિપોર્ટ અનુસાર, BCCIના એક અધિકારીએ કહ્યું કે, ‘અમે બધાને એક સાથે આરામ આપી શકતા નથી કારણ કે ટીમમાં અનુભવની જરૂર હમેશા હોય છે. ઈંગ્લેન્ડ શ્રેણીની જેમ, જ્યાં ટીમે યુવા ખેલાડી સાથે વરિષ્ઠ ઝડપી બોલરની જોડી બનાવી હતી, તેવો જ અભિગમ ફરીથી અપનાવવામાં આવશે. દુલીપ ટ્રોફીમાં ઝડપી બોલરોની સારી સેના છે જેમને ઓસ્ટ્રેલિયા પ્રવાસને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યા છે. જો તેઓ સારું પ્રદર્શન કરશે તો અમે તેમને ઓસ્ટ્રેલિયા લઈ જતા પહેલા ઘરઆંગણાની સ્થિતિમાં તેનો ઉપયોગ કરી શકીશું.
ફાસ્ટ બોલરોના વર્કલોડ મેનેજમેન્ટ પર કામ ચાલુ
બાંગ્લાદેશ બાદ ટીમ ઈન્ડિયાએ પણ ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. જે બાદ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ છે, જ્યાં 5 ટેસ્ટ મેચ રમાશે. આવી સ્થિતિમાં BCCI પોતાના ફાસ્ટ બોલરોના વર્કલોડ મેનેજમેન્ટ પર કામ કરી રહ્યું છે, જેથી તેઓ ઓસ્ટ્રેલિયા સામે મજબૂત ટીમ સાથે મેદાનમાં ઉતરી શકે.
આવી સ્થિતિમાં બુમરાહ સિવાય અન્ય બોલરોને પણ આગામી મેચોમાં સમયાંતરે આરામ આપવામાં આવી શકે છે, જેમાં મોહમ્મદ સિરાજનું નામ પણ સામેલ છે. મોહમ્મદ શમી પણ હાલમાં તેની ઈજામાંથી બહાર આવી રહ્યો છે.