ભારતીય ટીમનુ આગળના ચાર મહિના માટેનું શિડયુલ બીસીસીઆઇ એ કર્યું જાહેર..
ભારતીય ટીમ આવતા વર્ષે જૂન-ઑગસ્ટ, 2025 દરમિયાન ઈંગ્લેન્ડના પ્રવાસ પર રહેશે, જ્યાં યજમાન ટીમ સામે 5 ટેસ્ટ મેચ રમવાની છે, ત્યારે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ સીરિઝને લઈને શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આજે (22 ઑગસ્ટ) ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા શેડ્યૂલ જાહેરાત કરી છે.
જાહેર કરવામાં આવેલા શેડ્યૂલ પ્રમાણે, બંને દેશો વચ્ચે ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ 20 જૂન, 2025થી હેડિંગ્લે ખાતે રમવામાં આવશે. આ પછી, બીજી ટેસ્ટ મેચ 2જી જુલાઈથી બર્મિંગહામમાં રમાશે. જ્યારે 10 જુલાઈથી લોર્ડ્સના મેદાન પર સીરિઝની ત્રીજી મેચમાં બંને ટીમો આમને-સામને જોવા મળશે. ત્યારબાદ બાકીની બે ટેસ્ટ મેચમાં 23 જુલાઈએ માન્ચેસ્ટરમાં અને 31 જુલાઈએ ઓવલમાં રમાશે.
WTCની ત્રીજી સિઝનની ફાઈનલ જૂન 2025માં ક્રિકેટના મક્કા, લોર્ડ્સમાં રમાશે
આ ટેસ્ટ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના (WTC) ચોથી સિઝનનો ભાગ હશે. WTCની ત્રીજી સિઝનની ફાઈનલ જૂન 2025માં ક્રિકેટના મક્કા, લોર્ડ્સમાં રમાશે. આ ફાઈનલ મેચના થોડા દિવસ પછી પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ રમાવાની છે. ભારતીય ટીમ છેલ્લે 2021માં ટેસ્ટ મેચ સીરિઝમાં ઈંગ્લેન્ડ પ્રવાસે પહોંચી હતી, જે 2-2ની બરાબરી પર પૂરી થઈ હતી. પરંતુ, કોવિડ-19ના કારણે છેલ્લી ટેસ્ટ મેચ 2022માં થઈ હતી, જેમાં સાત વિકેટથી ઈંગ્લેન્ડની જીત થઈ હતી.
વર્ષ 2025નું ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝનું શેડ્યૂલ
20-24 જૂન, પ્રથમ ટેસ્ટ, હેડિંગ્લે
2-6 જુલાઈ, બીજી ટેસ્ટ, બર્મિંઘમ
10-14 જુલાઈ, ત્રીજી ટેસ્ટ, લોર્ડ્સ
23-27 જુલાઈ, ચોથી ટેસ્ટ, મેનચેસ્ટર
31 જુલાઈ-4 ઑગસ્ટ, પાંચમી ટેસ્ટ, દ ઓવલ
આગામી મહિનામાં ભારતીય ટીમનું શેડ્યુલ ટાઈટ છે, ત્યારે આગામી પાંચ મહિનામાં ભારતીય ટીમને બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે સીરિઝ રમવાની છે. તેની શરૂઆત બાંગ્લાદેશ સામેની હોમ સીરિઝથી કરવામાં આવશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ અને 3 T20 મેચોની સીરિઝ રમાશે. ત્યારબાદ, ન્યુઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે, ત્યારે બંને દેશો વચ્ચે 3 ટેસ્ટ મેચ સીરિઝ રમવામાં આવશે. જ્યારે વર્ષના અંતમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે, જ્યાં બંને દેશો વચ્ચે 5 ટેસ્ટ મેચ સીરિઝ રમાશે. આ પછી ઈંગ્લેન્ડ ટીમ ભારતના પ્રવાસે આવશે. જેમાં બંને દેશો વચ્ચે 5 T20 અને 3 વનડે મેચોની સીરિઝ રમાશે.