DRS ધોની રીવ્યુ સિસ્ટમ પર આ અમ્પાયરે આપ્યું મોટુ નિવેદન..
ભારતીય ટીમના પૂર્વ અને સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની ગેમ પ્લાનિંગ અને સચોટ DRS લેવાની ક્ષમતાથી આખા વિશ્વને પ્રભાવિત કર્યું છે. વિકેટની પાછળ રહીને કેવી રીતે ધોની આખી મેચ બદલી નાખતો તે આપણે બધાએ જોયું છે.
ધોની સારી રીતે જાણતો હતો કે, ફિલ્ડિંગ કેવી રીતે સેટ કરવી અને બોલરને ક્યાં બોલિંગ કરાવવી. તેથી જ ધોનીને ગેમ ચેન્જર પણ કહેવામાં આવે છે. હવે એક ભારતીય અમ્પાયરે ધોનીના DRS લેવાની સચોટતા અંગે મોટું નિવેદન આપ્યું છે. અમ્પાયરો પણ ક્યારેક ધોનીની DRS લેવાની ક્ષમતાથી હેરાન રહી જતા હતા.
અમ્પાયર અનિલ ચૌધરીનો મોટો ખુલાસો
ભારતીય અમ્પાયર અનિલ ચૌધરીએ 2 સ્લોગર્સ પોડકાસ્ટ પર કેપ્ટન કૂલની રિવ્યૂ સિસ્ટમ અંગે વાતચીત કરતા કહ્યું કે, ક્યારેક-ક્યારેક એવું થાય છે કે, કીપર પાછળ રહી જાય છે. ભલે તો બોલરની સ્થિતિને ન જોઈ શકે. પરંતુ આ મામલે ધોની ખૂબ જ સમજદાર હતો. ધોનીના નિર્ણયો અચૂક નહોતા, ભાગ્યે જ તેનો કોઈ નિર્ણય ખોટો રહ્યો હશે. જેના કારણે મેદાન પર તેની છબિ મજબૂત બની હતી.
તેમણે કહ્યું કે, ધોનીના રિવ્યૂ ખૂબ જ સટીક રહેતા હતા. અનિલ ચૌધરીને પૂછવામાં આવ્યું કે, ઈન્ટરનેટ પર એ ખૂબ જ વાયરલ રહે છે કે, DRS મતલબ ધોની રિવ્યૂ સિસ્ટમ. તેના જવાબમાં અમ્પાયરે આ જાણકારી આપી.
ધોનીના મોટાભાગના DRS સચોટ રહ્યા
ધોની ઘણી વખત મેચ દરમિયાન DRS લઈને ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને પડકારતો જોવા મળ્યો છે. અત્યાર સુધી ધોનીના મોટાભાગના DRS સચોટ રહ્યા છે. ભલે ધોની હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ નથી રમતો પરંતુ IPLમાં હજું પણ તેનો જલવો જોવા મળે છે. હજું પણ ચાહકો ધોનીની એક ઝલક જોવા માટે આતુર રહે છે. IPLમાં જ્યારે પણ ધોની બેટિંગ કરવા આવે છે ત્યારે આખું સ્ટેડિયમ માહી-માહીના નારાથી ગુંજી ઉઠે છે.