આ બેટ્સમેન એ એક ટેસ્ટમાં જ ફટકારી બે સદી સચિન ૧૦૦ ટેસ્ટમાં પણ કરી શક્યો નથી આ કારનામું..
ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક સદી ફટકારી દીધી છે. શ્રીલંકા સામે રમાઈ રહેલી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝમાં આ બેટ્સમેન જોરદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તે અત્યાર સુધીમાં આ સિરીઝમાં 1 અડધી સદી અને બે સદી ફટકારી ચૂક્યો છે.
ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચ લંડનના લોર્ડ્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે પહેલી ઇનિંગમાં સદી ફટકારી હતી. જ્યારે હવે બીજી ઇનિંગમાં પણ તેણે પોતાનું ફોર્મ જાળવી રાખ્યું.
જો રૂટે ટીમની ઇનિંગને સંભાળીને સદી ફટકારી છે. તેની સાથે જ જો રૂટે એક ખાસ યાદીમાં સામેલ થઈ ગયો છે. જેમાં સચિન તેંડુલકર 100 સદી ફટકાર્યા પછી પણ પોતાની જગ્યા બનાવી શક્યો નથી.
જો રૂટે આ મેચની પહેલી ઇનિંગમાં 143 રન બનાવ્યાં હતા. જ્યારે બીજી ઇનિંગમાં તેણે 103 રન બનાવ્યાં છે. ટેસ્ટ કરિયરમાં પહેલીવાર જો રૂટે બંને ઇનિંગમાં સદી ફટકારી છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં હવે તેની 34 સદી થઈ ગઈ છે. જણાવી દઈએ કે, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સદી ફટકારનાર મહાન બેટ્સમેન સચિન તેંડુલકર પણ એક ટેસ્ટ મેચમાં બે સદી ફટકારી શક્યો નથી.
મોર્ડન ક્રિકેટ વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, જો રૂટ અને કેન વિલિયમસન ફેબ-4 નામે ઓળખાય છે. આ ચારેય ખેલાડીઓમાં સૌથી શાનદાર પ્રદર્શન પણ જો રૂટ કરી રહ્યો છે. વર્ષ 2021ની શરૂઆતથી જો રૂટે ટેસ્ટમાં 17 સદી ફટકારી છે. જ્યારે વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ અને કેન વિલિયમસન મળીને પણ 17 સદી ફટકારી શક્યા નથી. તે ફેબ 4માં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ખેલાડી છે.
જો રૂટે પોતાની આ સદી સાથે એલેસ્ટેર કૂકને પાછળ છોડી દીધો છે. હવે તે ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. એલેસ્ટેર કૂકે ટેસ્ટમાં ઇંગ્લેન્ડ માટે 33 સદી ફટકારી હતી. જ્યારે જો રૂટે પ્લેયર્સમાં સૌથી વધુ ઇન્ટરનેશનલ સદી ફટકારવાના મામલે બીજા નંબરે છે. તેની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 50 સદી થઈ ગઈ છે.