રોહિત શર્મા પાસે છે ઇતિહાસ રચવાની તક વિરેન્દ્ર સેહવાગ નો અત્યાર સુધીનો રેકોર્ડ કરશે બ્રેક
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરે રમાશે. બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્મા દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગનો એક મોટો રેકોર્ડ તોડી શકે છે.
કેટલાક વર્ષોથી રોહિત શર્માની બેટિંગ શૈલીમાં ઘણું પરિવર્તન આવ્યું છે. તે ક્રિજ પર આવતા જ આક્રમક બેટિંગ કરે છે અને ઝડપથી રન બનાવે છે. તેનું ફોકસ એક જ વાત પર હોય છે કે, કઈ રીતે ઝડપથી રન બનાવવા, જેથી પાછળથી આવનાર બેટ્સમેન પર ઓછું પ્રેશર આવે. ગત એક દાયકામાં તેણે પોતાની વિસ્ફોટક બેટિંગથી ભારતને કેટલીય હારેલી મેચ જીતાવી છે. તે વનડે ક્રિકેટમાં એક એવા બેટ્સમેન છે, જેણે ત્રણ વખત બેવડી સદી ફટકારી છે.
રોહિત શર્માએ ભારત માટે 59 ટેસ્ટ મેચમાં 84 છગ્ગા ફટકાર્યા છે. તે વર્તમાન સમયમાં ભારત માટે સૌથી વધુ સિક્સ ફટકારનાર બીજા બેટ્સમેન છે. પહેલા નંબરે વીરેન્દ્ર સહેવાગ છે. તેણે 90 છગ્ગા ફટકાર્યા છે. હવે બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની સિરીઝમાં જો રોહિત 7 છગ્ગા ફટકારે તો, તે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બની જશે અને સહેવાગનો રેકોર્ડ તૂટી જશે.
ભારત માટે સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેનમાં પહેલા નંબરે 90 છગ્ગા સાથે વીરેન્દ્ર સિંહ સહેવાગનું નામ આવે છે. ત્યારબાદ રોહિત શર્મા (84), ત્રીજા નંબરે મહેન્દ્ર સિંહ ધોની (78), ચોથા નંબરે સચિન તેંડુલકર (69) અને પાંચમા નંબરે રવીન્દ્ર જાડેજા (64)નું નામ આવે છે.
ટેસ્ટ ક્રિકેટના ઓવરઓલ ઇતિહાસની વાત કરીએ તો, ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સ સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન છે. તેણે 131 છગ્ગા ફટકાર્યા છે. બીજા નંબરે બ્રેડ મેકુલમ છે. તેણે 107 છગ્ગા ફટકાર્યા છે.
રોહિત શર્માએ ભારત માટે વર્ષ 2013માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારે તેણે પોતાના કરિયરની શરૂઆતની બે ટેસ્ટ મેચમાં વેસ્ટઇન્ડીઝ સામે સદી ફટકારી હતી. રોહિત શર્માએ અત્યાર સુધીમાં ભારત માટે 59 ટેસ્ટ મેચમાં 4137 રન બનાવ્યા છે, જેમાં 12 સદી અને 17 અડધી સદી સામેલ છે.