ICC ચેમ્પિયનશિપ ફાઇનલમાં પહોંચવા માટે ભારત આટલી મેચ જીતવી છે જરૂરી જાણી લો પુરું સમીકરણ..

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલ મેચ 11 જૂન 2025ના રોજ લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાશે. ફાઇનલમાં પહોંચવા માટે ઘણી ટીમો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમ પણ સામેલ છે.

ભારતીય ક્રિકેટ ટીમ આગામી અઠવાડિયે બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમવા માટે ઉતરશે. આ બંને મેચ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વની છે. આ બંને મેચ નક્કી કરશે કે, ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઇનલમાં કઈ રીતે પહોંચશે. આ અહેવાલમાં અમે આપને જણાવીશું કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય કરવા માટે ભારતીય ટીમને કેટલી મેચો જીતવી પડશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ પર ટીમ ઇન્ડિયા હાલ 68.52% જીત સાથે ટોપ પર છે. ભારત અત્યાર સુધીમાં વેસ્ટઇન્ડીઝને 1-0 અને ઇંગ્લેન્ડને 4-1ના અંતરથી હરાવી ચૂક્યું છે. જ્યારે, સાઉથ આફ્રિકા સામે ટીમે 1-1થી ડ્રો મેચ રમી હતી. હવે બાંગ્લાદેશ સામે 2, ન્યૂઝીલેન્ડ સામે 3 અને ઓસ્ટ્રેલિયા સામે 5 ટેસ્ટ મેચ રમવાની છે.

પોઈન્ટ ટેબલ પર ઓસ્ટ્રેલિયા 62.5% જીત સાથે બીજા નંબરે છે. જ્યારે વર્તમાન ચેમ્પિયન ન્યૂઝીલેન્ડ 50% જીત સાથે ત્રીજા નંબરે છે. ટીમ ઇન્ડિયાને હજુ 10 ટેસ્ટ મેચ રમવાની બાકી છે, જેમાં સારુ પ્રદર્શન કરીને ટીમ ફાઇનલ મેચ માટે ક્વોલિફાય કરી શકે છે.

આઈસીસીના એક રિપોર્ટ અનુસાર, ભારતે પોતાની જીતની ટકાવારી 60 ઉપર રાખવા માટે આગામી 10 ટેસ્ટ મેચમાંથી ઓછામાં ઓછી 7 મેચ જીતવી પડશે. તેમાં ભારત બાંગ્લાદેશ સામે 2 અને ન્યૂઝીલેન્ડ સામે 3 મેચ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમશે. ત્યારબાદ ભારત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. જ્યાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અંતર્ગત પાંચ ટેસ્ટ મેચ રમવા ઉતરશે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમે પોતાની ગત બે ટેસ્ટ સિરીઝમાં જીત નોંધાવી છે. તેનાથી ભારતનો પણ આત્મવિશ્વાસ વધેલો છે.

ભારતને ફાઇનલમાં પહોંચવા માટે ટોપ 2માં રહેવું પડશે. એવામાં ભારત જો 5 મેચ જીતી લે અને 1 ડ્રો રમે તો પણ ભારત ફાઇનલમાં ક્વોલિફાય કરી જશે. જ્યારે ભારત 6 મેચ જીતે તો તેની જીતની ટકાવારી 64.03% થઈ જશે, જેનાથી ટીમનું ફાઇનલમાં પહોંચવું લગભગ પાક્કુ થઈ જશે.

વર્લ્ડ ટેસ્ટ રેન્કિંગના પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે ઓસ્ટ્રેલિયા છે, જેની હવે 7 મેચ બાકી છે. ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં પહોંચવા માટે 4 મેચ જીતવી પડશે અથવા 3 મેચ જીતીને 1 મેચ ડ્રો રમવી પડશે. જ્યારે ત્રીજા નંબરે ન્યૂઝીલેન્ડ છે. જેની 8 મેચ બાકી છે. ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં પહોંચવા માટે 6 મેચમાં જીત મેળવવી પડશે અથવા 5 મેચ જીતવી પડશે અને 1 મેચ ડ્રો કરવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *