6 વર્ષ બાદ આપણો આ ગુજરાતી ખેલાડી ટેસ્ટ ક્રિકેટમાં કરી રહ્યો છે વાપસી..
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ગુરુવારે ઈંગ્લેન્ડમાં ટ્રેનિંગ દરમિયાન રેડ બોલથી બોલિંગ કરતો જોવા મળ્યો હતો. હાર્દિકે રેડ બોલથી બોલિંગ કરતો હોવાનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જેને લઈને હવે તેની ટેસ્ટ ક્રિકેટમાં વાપસીની અટકળો વધી ગઈ છે. પંડ્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
હાર્દિક પંડ્યાએ 2018 પછીથી એક પણ ટેસ્ટ મેચ રમી નથી. ફિટનેસને કારણે તેણે ટેસ્ટ ક્રિકેટ નહીં રમવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ 2019માં તેની પીઠના નીચેના ભાગમાં સર્જરી થઈ હતી. તેને ઓસ્ટ્રેલિયા સામે 2023ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચમાં રમવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ તેણે આ ઓફરને એમ કહીને ઠુકરાવી દીધી હતી કે તે હવે તેની ફિટનેસને ધ્યાનમાં રાખીને મર્યાદિત ઓવરના ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
સોશિયલ મીડિયા પર હાર્દિકે પોસ્ટ કરેલા વીડિયો પરથી અંદાજ લગાવી શકાય છે કે, હાર્દિક ઓક્ટોબરમાં બાંગ્લાદેશ સામે રમાનારી T20 સીરિઝ પહેલા પોતાના વર્કલોડને વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે તેણે હજુ સુધી ટીમ મેનેજમેન્ટને રેડ બોલ ક્રિકેટ અંગેની તેની યોજના વિશે માહિતી આપી નથી. જૂન 2024માં વર્લ્ડકપની ફાઈનલ બાદ પંડ્યા શ્રીલંકા સામેની બે T20I મેચમાં રમતો જોવા મળ્યો હતો. હવે તેની નજર બાંગ્લાદેશ સામેની T20I સીરિઝ પર ટકેલી છે.જો કે હાર્દિક માટે રેડ બોલ ક્રિકેટમાં પરત ફરવું થોડું મુશ્કેલ બની શકે છે. તેનું કારણ એ છે કે, હાર્દિકની છેલ્લા કેટલાક વર્ષોથી ફિટનેસ ખાસ રહી નથી.
આ સિવાય પણ તેને ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું સ્થાન મેળવવા માટે ઘરેલુ ક્રિકેટમાં રેડ બોલથી પોતાને સાબિત કરવું પડશે. હાલમાં હાર્દિક દુલીપ ટ્રોફીમાં નથી રમી રહ્યો.
વર્ષ 2017માં ડેબ્યૂ કર્યા બાદ હાર્દિકે અત્યાર સુધી 11 ટેસ્ટ રમી છે. જેમાં તેણે એક સદી અને ચાર અડધી સદીની મદદથી 31.29ની સરેરાશથી 532 રન બનાવ્યા છે. તેણે 31.05ની સરેરાશથી 17 વિકેટ પણ લીધી છે. પંડ્યાએ અત્યાર સુધી 85 વનડે મેચોમાં 33ની સરેરાશથી 1769 રન બનાવ્યા છે, અને 84 વિકેટ ઝડપી છે. T20Iમાં તેણે 102 મેચમાં 1523 રન બનાવવા ઉપરાંત 86 વિકેટ પણ લીધી છે.