કાલ થી શરૂ થનાર બાંગ્લાદેશ સામેની મેચમાં અશ્વિન રચશે ઇતિહાસ 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડશે..
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચની સીરિઝ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભારતના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન પાસે આ મેચમાં કેટલાક ખાસ રેકોર્ડ બનાવવાની તક છે.
મેચની ટેસ્ટ સીરિઝ શરૂ થવા જઈ રહી છે અને આ સિરીઝની પહેલી ટેસ્ટ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં શરૂ થશે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના ફેન્સ દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને વિકેટો લેતા જોવા માટે ઉત્સુક છે. આટલું જ નહીં આ સિરીઝમાં રવિચંદ્રન અશ્વિન ઈતિહાસ રચવાથી પણ તક છે અને તે ઓસ્ટ્રેલિયાના સ્પિનર શેન વોર્નનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે.
અશ્વિને ત્રણેય ફોર્મેટ સહિત 281 મેચની 368 ઇનિંગ્સમાં 744 વિકેટ લીધી છે. છ વિકેટ લઈને તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 750 વિકેટ લેનારો બીજો ભારતીય ખેલાડી બની જશે. હાલમાં ભારત માટે માત્ર અનિલ કુંબલેએ આ સિદ્ધિ મેળવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે 401 મેચોની 499 ઇનિંગ્સમાં 953 વિકેટ લીધી છે.
જો આ સીરિઝમાં અશ્વિન 4 વિકેટ લેશે તો તે કર્ટની વોલ્શને પાછળ છોડી દેશે અને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓની યાદીમાં આઠમા સ્થાને પહોંચી જશે. અત્યાર સુધી અશ્વિને ટેસ્ટમાં 100 મેચોની 189 ઇનિંગ્સમાં 516 વિકેટ લીધી છે જ્યારે વોલ્શે 132 મેચોની 242 ઇનિંગ્સમાં 519 વિકેટ લીધી છે.
રવિચંદ્રન અશ્વિને ભારત માટે 100 ટેસ્ટ મેચ રમીને અત્યાર સુધીમાં કુલ 36 વખત 5 વિકેટ ઝડપી છે. શેન વોર્ને ઓસ્ટ્રેલિયા માટે 145 ટેસ્ટ મેચ રમીને કુલ 37 વખત 5 વિકેટ ઝડપી હતી. જો રવિચંદ્રન અશ્વિન બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ સીરિઝમાં બે વખત 5 વિકેટ ઝડપવામાં સફળ થશે તો તે શેન વોર્નના 18 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખશે. આ સાથે રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 38 વખત 5 વિકેટ ઝડપનાર બોલર બની જશે.