પંત ની સદી સાથે રચાયો ઐતિહાસિક રેકોર્ડ ધોનીનો રેકોર્ડ પણ કર્યો બ્રેક..
ચેન્નઈ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રિષભ પંતે પોતાના ટેસ્ટ કરિયરની છઠ્ઠી સદી ફટકારી. ડિસેમ્બર 2022માં રોડ એક્સિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયેલા પંતે આ મેચ સાથે ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી અને પરત ફરતાની સાથે જ શાનદાર સદી ફટકારી.
હાલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નઈમાં 2 મેચની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. પહેલી મેચનો આજે ત્રીજો દિવસ છે, ત્યારે આજે રિષભ પંતે શાનદાર સદી ફટકારીને ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી છે. સ્ટાર ભારતીય વિકેટકીપર-બેટ્સમેને બાંગ્લાદેશ સામે ચેન્નઈ ટેસ્ટના ત્રીજા દિવસે પોતાની સદી પૂરી કરી. આ સાથે તેણે એમએસ ધોનીની પણ બરાબરી કરી લીધી. બાંગ્લાદેશ સામે તેની છેલ્લી ટેસ્ટ રમનાર રિષભ પંત ડિસેમ્બર 2022માં રોડ અકસ્માતનો શિકાર બન્યો હતો, જેમાં તે ખરાબ રીતે ઘાયલ થયો હતો. તે ઘટનાના દોઢ વર્ષ પછી, પંતે ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી અને પહેલી જ મેચમાં શાનદાર સદી ફટકારી દીધી. તેણે ભારતીય વિકેટકીપર તરીકે એમએસ ધોનીના સૌથી વધુ સદીના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.
ચેપોક મેદાનમાં પહેલી ઇનિંગમાં જ્યાં લોકલ હીરો રવિચંદ્રન અશ્વિને શાનદાર સદી ફટકારી હતી, ત્યારે બીજી ઇનિંગમાં ચાહકોના પ્રિય બની ગયેલા રિષભ પંતે સદી ફટકારી છે. મેચના બીજા દિવસે 12 રન બનાવીને નોટઆઉટ પરત ફરેલા પંતે ત્રીજા દિવસના પહેલા સેશનમાં થોડો સમય આરામથી બેટિંગ કરી અને પોતાની અડધી સદી ફટકારી. ફિફ્ટી પૂરી કર્યા બાદ તેણે બાઉન્ડ્રીનો વરસાદ કરી દીધો. લંચ સુધીમાં તેણે 82 રન બનાવી લીધા હતા.
બીજા સેશનમાં બધા રિષભ પંત તેની સદી પૂરી કરે તેની રાહ જોઈ રહ્યા હતા અને તેણે તેમાં વધુ સમય પણ ન લગાવ્યો. પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 7 વખત ‘નર્વસ નાઈન્ટીઝ’ (90 થી 99 વચ્ચે)નો શિકાર બન્યા હોવા છતાં, પંતે 90નો આંકડો પાર કર્યા પછી પણ બેટથી ફટકારવાનું ચાલુ રાખ્યું. પછી પંતે શાકિબ અલ હસનના બોલ પર 2 રન લઈને તેની છઠ્ઠી ટેસ્ટ સદી પૂરી કરી લીધી. તેણે આ સદી માત્ર 124 બોલમાં પૂરી કરી, જેમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે.