ઈન્ડિયા A દુલીપ ટ્રોફી ચેમ્પિયન બની, ઈશાન-ઋતુરાજ,સુદશૅન જેવા મોટા નામો પણ રહ્યા ફેલ..
ઈન્ડિયા C પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતી અને તેને ટાઈટલ જીતવા માટે માત્ર ડ્રોની જરૂર હતી. ટીમ પણ ડ્રો હાંસલ કરવાની નજીક હતી કારણ કે તેને માત્ર 9 ઓવર હેમખેમ પાર કરવાની હતી, જ્યારે સાઈ સુદર્શન સદી ફટકાર્યા બાદ ક્રિઝ પર રહ્યો હતો અને કુલ 4 વિકેટ બાકી હતી, પરંતુ આખી મેચ ત્યારબાદની 6 ઓવરમાં જ પૂરી થઈ ગઈ હતી.
ઈન્ડિયા A એ દુલીપ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. મયંક અગ્રવાલની કપ્તાનીવાળી ઈન્ડિયા A એ છેલ્લી મેચમાં ઈન્ડિયા Cને રોમાંચક રીતે 132 રનથી હરાવ્યું હતું. છેલ્લા દિવસના અંતિમ સત્રમાં સાઈ સુદર્શનની શાનદાર સદી (111) પણ ઈન્ડિયા Cને હારથી બચાવી શકી ન હતી. ઈન્ડિયા A ને જીતવા માટે છેલ્લી 9 ઓવરમાં 4 વિકેટની જરૂર હતી, જેમાં સાઈ સુદર્શન પણ લીડમાં હતો, ત્યારબાદ ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ સુદર્શન સહિત 3 વિકેટ લઈને ટીમને જીત સુધી પહોંચાડી હતી.
કેપ્ટન રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, રજત પાટીદાર જેવા બેટ્સમેનોની નિષ્ફળતા ઈન્ડિયા C પર ભારે પડી અને ટાઈટલ તેમના હાથમાંથી સરકી ગયું. ઈન્ડિયા Cને માત્ર ડ્રોની જરૂર હતી અને ટીમ તેની નજીક હતી પરંતુ પ્રસિદ્ધે તેમની ઈચ્છા પર પાણી ફેરવી નાખ્યું હતું.
ઋતુરાજ-ઈશાન પણ ના બચાવી શક્યા
આજે રવિવાર, 22 સપ્ટેમ્બર, મેચના છેલ્લા દિવસે, ઈન્ડિયા A એ 8 વિકેટના નુકસાન પર 286 રન બનાવીને તેનો બીજો દાવ ડિકરેલ કર્યો હતો. ઈન્ડિયા A તરફથી રિયાન પરાગે સૌથી વધુ 73 રન બનાવ્યા, જ્યારે શાશ્વત રાવતે પણ 53 રનની ઇનિંગ રમી. ઈન્ડિયા Aને પ્રથમ દાવમાં 63 રનની લીડ મળી હતી. આ રીતે તેણે ઈન્ડિયા Cને જીત માટે 351 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટ હાંસલ કરવા માટે ઈન્ડિયા C પાસે લગભગ અઢી સેશન હતા પરંતુ ટીમ ક્યારેય જીતની સ્થિતિમાં જોવા મળી ન હતી, બલ્કે કોઈક રીતે મેચને ડ્રો તરફ લઈ જવાના તેના પ્રયાસો પણ નિષ્ફળ ગયા હતા.
પ્રસિદ્ધની ઝડપી ગતિએ સુદર્શનની સદીને પાછળ રાખી દીધી
સાંઈ સુદર્શન બીજા છેડેથી એકલા ઊભા હતા અને થોડા સમય માટે તેમને માનવ સુથારનો પણ સાથ મળ્યો. આ દરમિયાન સુદર્શને પણ જોરદાર સદી ફટકારી હતી. ઈન્ડિયા Cને મેચ ડ્રો કરવા માટે માત્ર 9 ઓવર નાખવાની હતી અને સુદર્શનની સહિત 4 વિકેટ બાકી હતી. અહીં જ સ્પિનર શમ્સ મુલાનીએ માનવ સુથારને આઉટ કરીને ભાગીદારી તોડી હતી. ત્યારપછી બીજી જ ઓવરમાં ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ બાબા ઈન્દરજીતની વિકેટ લીધી હતી. ટોપ ઓર્ડર બેટ્સમેન ઈન્દ્રજિત હેમસ્ટ્રિંગની ઈજાને કારણે શરૂઆતમાં બેટિંગ કરવા આવ્યો ન હતો પરંતુ જ્યારે કોઈ વિકલ્પ બચ્યો ના હતો, ત્યારે તે મેચને ડ્રો સુધી ખેંચી જવા માટે ક્રિઝ ઉપર ઉતર્યો પરંતુ તેની રમત માત્ર 2 બોલમાં જ સમાપ્ત થઈ ગઈ. તેની પછીની બે ઓવરમાં પ્રસિદ્ધ કિષ્ણાએ સુદર્શન અને પછી અંશુલ કંબોજને આઉટ કરીને 3 ઓવરમાં જ ટીમને ચેમ્પિયન બનાવી હતી.