બાંગ્લાદેશ સામે મેચ જીત્યા બાદ પણ ફાઈનલમાં જગ્યા બનાવવા હજુ ઘણું દુર જાણો પોઇન્ટ ટેબલમાં ભારતનું સ્થાન..
ભારતે ચેન્નાઈમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં બાંગ્લાદેશને 280 રનથી હરાવીને 2 મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ભારતે બાંગ્લાદેશ સામે 515 રનનું લક્ષ્ય આપ્યું હતું. પરંતુ સામે બાંગ્લાદેશની ટીમ 234 રનમાં સમેટાઈ ગઈ હતી. રવિચંદ્રન અશ્વિને તબાહી મચાવી હતી, અને 6 વિકેટ લીધી હતી. આ સાથે જ ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) 2023-25 પોઈન્ટ ટેબલમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.
આ WTCની સાઈકલમાં ભારતીય ટીમે અત્યાર સુધીમાં 10 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી ભારતે 7માં જીત, અને 2માં હાર અને 1 મેચ ડ્રો થઈ હતી. હાલ ભારત 86 પોઈન્ટ અને 71.67 ટકા સાથે ટોચ પર છે, જ્યારે ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે.
WTCના પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો ફાઇનલમાં પ્રવેશ કરે છે. ભારત અત્યાર સુધીમાં બે વખત ફાઇનલમાં પહોંચ્યું છે, પરંતુ બંનેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.
બાંગ્લાદેશની ટીમ પૂરા આત્મવિશ્વાસ સાથે ભારતના પ્રવાસે આવી હતી. તાજેતરમાં જ બાંગ્લાદેશે પાકિસ્તાનને ઘરઆંગણે બે ટેસ્ટ મેચની સીરિઝમાં 2-0થી હરાવ્યું હતું. જો કે, ભારત સામેની પહેલી ટેસ્ટમાં બાંગ્લાદેશે બેટિંગ અને બોલિંગ બંનેમાં નિરાશ કર્યા હતા. ભારત સામે મળેની હારથી બાંગ્લાદેશ WTC પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને સરકી ગયુ છે.