કિંગ કોહલી એ તોડ્યો સચિન તેંડુલકર નો આ મહાન રેકોર્ડ..

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં એક રેકોર્ડ તોડી ઈતિહાસ રચી દીધો હતો. આ મેચમાં તેણે 35 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 47 રન બનાવ્યા હતા. અડધી સદી ચૂકી ગયો હોવા છતાં કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27 હજાર રન પૂરા કરી નવો કીર્તિમાન સ્થાપી દીધો હતો. આ સાથે કોહલીએ મહાન બેટર સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.

હવે કોહલી સૌથી ઝડપી 27 હજાર આંતરરાષ્ટ્રીય રન પૂરા કરનાર ક્રિકેટર બની ગયો છે. તેણે આ ઉપલબ્ધી 594 ઇનિંગ્સમાં હાંસલ કરી છે. જ્યારે સચિને આ સિદ્ધિ 623 ઇનિંગ્સમાં મેળવી હતી. કોહલીએ સચિન કરતા 29 ઈનિંગ્સ ઓછી રમીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27,000 રન કરનાર તે ચોથો બેટર છે. 

અહીં તમને જણાવી દઈએ કે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવવાનો રેકોર્ડ હજુ પણ સચિનના નામે છે. તેણે 24 વર્ષની કારકિર્દીમાં 664 મેચોમાં કુલ 34,357 રન કર્યા હતા. આ યાદીમાં બીજા સ્થાને શ્રીલંકાના પૂર્વ વિકેટકીપર કુમાર સંગાકારા છે. જેણે 594 મેચમાં 28016 રન બનાવ્યા છે. તેના પછી ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે 560 આંતરરાષ્ટ્રીય મેચ 27483 રન બનાવીને આ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ પોતાની 594મી મેચમાં 27 હજારનો આંકડો પાર કર્યો છે.

જો આ ટેસ્ટ મેચની વાત કરીએ તો ભારતે પહેલી ઇનિંગ 34.4 ઓવરમાં 9 વિકેટે 285 રન બનાવીને ડિકલેર કરી હતી. બાંગ્લાદેશે પહેલી ઇનિંગમાં 233 રન બનાવ્યા હતા. ભારતને 52 રનની લીડ મળી છે. યશસ્વી જયસ્વાલ 72 અને કેએલ રાહુલે 68 રન કરી અડધી સદી ફટકારી હતી. આ સિવાય શુભમન ગિલ 39 અને કેપ્ટન રોહિત શર્માએ 23 રન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *